Daily Newspaper

વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી

વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી

 

ગાંધીનગર, : મહેસાણા જિલ્લાના વડનગરની મુખ્ય સચિવ પંકજ જોષીએ મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવએ વડનગર ખાતે આવેલ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મુખ્ય સચિવશ્રીએ વડનગરમાં નિર્માણ પામેલ ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ’ની મુલાકાત લીધી હતી.

આ મ્યુઝિયમ વડનગરની 2500 વર્ષથી વધુ જૂની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરે છે. અહીં ખોદકામ દરમિયાન મળેલા હજારો વર્ષ જૂના અવશેષો, કલાકૃતિઓ અને સાધનોને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શનો અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. જેની મુખ્ય સચિવએ મુલાકાત લીધી હતી.

આ તકે પુરાતત્વ સંગ્રહાલયના નિયામક પંકજ શર્માએ મ્યુઝિયમની વિશેષતાઓ અને તેમાં પ્રદર્શિત કરવામાં આવેલ વિવિધ કલાકૃતિઓ વિશે મુખ્ય સચિવશ્રીને વિસ્તૃત જાણકારી આપી હતી.

ત્યારબાદ મુખ્ય સચિવએ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે મુખ્ય સચિવએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ ઉપરાંત મુખ્ય સચિવએ કીર્તિ તોરણ, તાનારીરી ગાર્ડન અને સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ. છાકછુઆક, જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Shivkumar Sharma

error: Content is protected !!