અમદાવાદ
– વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યની નિકાસ, ઉત્પાદન અને જીડીપીમાં યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું
– સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે
પૂર્વ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ધારાસભ્ય બાબુસિંહ જાદવની ઉપસ્થિતિ
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે અમદાવાદ ખાતેથી ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)નો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉદબોધન કરતા ઉદ્યોગમંત્રી એ જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. ઉદ્યોગ ધંધા અને વ્યાપાર ક્ષેત્રે પણ આજે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે. રાજ્ય સરકારના વિવિધ પ્રકલ્પો તથા વિવિધ યોજનાઓના આયોજનપૂર્વકના અમલીકરણના લીધે રાજ્યમાં આજે ઉદ્યોગ ધંધા અને રોજગાર માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.
વધુમાં વાત કરતા ઉદ્યોગ મંત્રી ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઉદ્યોગ ધંધાઓના વિકાસ અર્થે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ વટવૃક્ષ સમાન બની છે. જેના પરિણામે રાજ્યની નિકાસ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યા છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે. આજે વિશ્વની ઘણી નામાંકિત કંપનીઓ રાજ્યમાં કામ કરી રહી છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજે સેમિકન્ડક્ટર જેવા નવીન ક્ષેત્રો સહિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે આવનારા સમયમાં ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થનાર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ, મંત્રી એ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ અને તેની ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN) પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, સૌને સંગઠિત કરીને
સમાજને આગળ લાવવા આ સંસ્થા કામગીરી કરી રહી છે.
વધુમાં, ધંધા રોજગારના વિસ્તાર અર્થે આ પ્લેટફોર્મ વધુને વધુ પ્રગતિ કરે તથા ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્ર સાથે આગળ વધે, એમ તેમણે ઉમેર્યું હતું તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ડ રિબન કટિંગ સેરેમની યોજાઈ હતી તેમજ ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)ના વિઝન અને મિશન પણ ઉપસ્થિતો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ગુજરાતમાં નિવાસ કરતા ઉત્તર ભારતીય સમાજના લોકોના વ્યાપાર ધંધાના વિકાસ અને વિસ્તારના ઉદ્દેશ સાથે ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ ‘ટુગેધર વી ગ્રો, ટુગેધર વી અચિવ’ ના મંત્ર સાથે ઉત્તર ભારતીય સમાજના નાના મોટા વ્યાપારીઓ અને ઉદ્યોગકારોના વેપાર ધંધાના વિકાસ માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે વિવિધ બાબતો સંદર્ભે માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવશે.
ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)ના શુભારંભ પ્રસંગે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાજ્ય અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, ઉત્તર ભારત બિઝનેસ નેટવર્ક(UBBN)ના ટીમ મેમ્બર્સ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.