Daily Newspaper

સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

સુરત: : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ સુરતથી પ્રયાગરાજ એ.સી. વોલ્વો બસ સેવાનો પ્રારંભ કર્યો છે. જે સંદર્ભે વિશેષ વોલ્વો બસને સુરત સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનથી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તા.૫મીથી સેન્ટ્રલ ડેપોથી દરરોજ બે એ.સી. વોલ્વો બસ વહેલી સવારે ૦૬:૦૦ વાગ્યે ઉપડશે.
આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભની યાત્રા અને પવિત્ર સ્નાન માટે સમગ્ર દેશ સહિત ગુજરાતના આસ્થાળુઓમાં ભારે ઉત્સાહ અને ધસારો છે. રાજ્યના નાગરિકોની સરળતા માટે અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી રાજ્ય સરકારે નવીન પાંચ વોલ્વો બસો શરૂ કરી કુંભ યાત્રિકો માટે ઘરઆંગણે સરળ અને સુગમ વ્યવસ્થા કરી છે. ગુજરાત ટૂરિઝમ અને GSRTC વિભાગના સંયુક્ત પ્રયાસથી બસ સેવા શરૂ થતા સુરતથી આસ્થાની પ્રવિત્ર ડૂબકી લગાવવા સુરતીઓ ઉત્તમ માટે બસ પરિવહન સુવિધા મેળવી શકશે.
મંત્રી સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, બસ સેવાના માધ્યમથી પ્રયાગરાજ મહાકુંભમેળામાં યુવાનો, માતાઓ, વડીલો પવિત્ર સ્નાનનો સંકલ્પ પૂર્ણ કરી શકશે. કુંભમાં ભીડના કારણે એકાદ-બે કલાકનું મોડું થાય તો પણ એસટી બસ મુસાફરોની રાહ જોશે. ટ્રાફિકના સંજોગોમાં ધીરજ ધરવા અને સહયોગ આપવા સાથે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો તેમણે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી રહેઠાણની વ્યવસ્થાઓની વિગતો પણ આપી હતી. મંત્રીએ પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓને કુમકુમ તિલક અને શ્રીફળ અર્પણ કરીને મંગલમય યાત્રાની શુભકામનાઓ આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણ ઘોઘારી, કાંતિ બલર, મેયર દક્ષેશ માવાણી, ડે.મેયર નરેન્દ્ર પાટિલ, GSRTC-સુરતના વિભાગીય નિયામક પી.વી.ગુર્જર. એસ.ટી.ના અધિકારીઓ સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


સુરતથી પ્રયાગરાજ યાત્રાની વિગત:
. . . . . . . . . . . . . .
તા.૦૪ ફેબ્રુ.થી નવીન પાંચ વોલ્વો બસો (અમદાવાદ-૧, સુરતથી- ૨, વડોદરાથી- ૧ અને રાજકોટથી ૧ બસ) શરૂ કરાઈ છે. સુરત તથા રાજકોટથી ઉપડનાર બસ ની પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ સરહદ નજીક), જ્યારે અમદાવાદ અને વડોદરાની વોલ્વો બસો માટે પ્રથમ અને ત્રીજી રાત્રીએ શિવપુરી (મધ્યપ્રદેશ) મુકામે કરવામાં આવી છે. સુરતથી પ્રતિ વ્યકિત માત્ર રૂ.૮૩૦૦માં ૩ રાત્રિ/૪ દિવસનું વિશેષ પેકેજ છે. નવી બસોનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઈટ WWW.GSRTC.IN પરથી તેમજ એડવાન્સ બુકિંગ બસ સ્ટેશન પર થઈ શકશે.
સુરતથી પ્રથમ બસમાં યાત્રાળુઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા માટે તો ઘરઆંગણેથી જ રાજ્ય સરકારની અદ્યતન સુવિધા સાથેની એસી વોલ્વો બસ સેવા મળી છે. અમારી યાત્રા તો અહીં જ સફળ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. પ્રયાગરાજ જવા માટે ટ્રેન અને વિમાન સેવામાં ભારે વેઈટિંગ છે, ત્યારે એસી વોલ્વો બસ સેવા શરૂ થવાથી ઘર બેઠા ગંગા જ મળી હોય એવી ખુશી અનુભવીએ છીએ.

Shivkumar Sharma

error: Content is protected !!