ગાંધીનગર,
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર વિવિધ હિતધારકો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા રાજય કક્ષાના સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું હતું.
આરોગ્યમંત્રીએ આ સ્વાસ્થ્ય પરિષદનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય પરિષદ દ્વારા માતા-આરોગ્ય, કુપોષણ, એનિમિયા તેમજ બિનચેપી રોગો સંદર્ભે સમાજના વિવિધ હોદ્દેદારો, ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના વિષય નિષ્ણાંતો વચ્ચે પરિસંવાદ યોજવાનો આ પ્રયાસ સરાહનીય છે.
આશા બહેનોથી લઇ સુપરસ્પેશ્યાલિસ્ટ તબીબોએ એક જ છત હેઠળ ભેગા થઇને સમાજમાં રહેલા આરોગ્યવિષયક પડકારો પર ચિંતન અને મંથન કરશે અને તેના આધારે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી રિપોર્ટ તૈયાર કરીને તે મુદ્દાઓની અમલવારી પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
આ ક્ષણે મંત્રીએ સમાજમાં રહેલા કુપોષણ, બાળ અને માતામૃત્યુ, એનીમિયા નાબૂદી જેવા સામાજીક પડકારો સામે લડવા માટે સરકાર સાથે સમાજ અને સેવાભાવી લોકોએ પણ જોડાવવું પડશે તેવી નેમ પણ વ્યક્ત કરી હતી.
રાજ્યના કોઇપણ ગામમાં એક પણ બાળક કે મહિલા કુપોષિત ન રહે, સગર્ભા બહેનનું મુત્યુ ન થાય, નવજાત બાળક તંદુરસ્ત રહે તે માટે ગામના આગેવાનો, સામાજીક કાર્યકરોએ પણ સ્વૈચ્છિક જવાબદારી નૈતિકતા પૂર્ણ સ્વીકારવા માટેનો અનુરોધ આરોગ્યમંત્રીએ કર્યો હતો.
ક્યોરેટીવ કેર કરતા પ્રિવેન્ટીવ કેર પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, આ કોન્ફરન્સમાં એવા મુદ્દાઓ પર ચર્ચા થશે જેમાં રોગ થતાં પહેલાં જ તેને રોકી શકાય અને એ જ હાલના સમયની માંગ છે.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સ્વાસ્થ્ય પરિષદનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે , નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ બનાવવું એ જવાબદારી કેવળ આરોગ્ય તંત્રની નથી તેમાં સામાજિક ભાગીદારી પણ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યને સ્વાસ્થ્યના સૂચકાંકોમાં શ્રેષ્ઠ બનાવવા આરોગ્યની સંભાળ લેતા નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, જુદા જુદા ક્ષેત્રના પદાધિકારીઓ, આરોગ્ય સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ – કર્મચારીઓ, ડબલ્યુ.એચ.ઓ. વિશ્વબેંક, યુનિસેફ, ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, પંચાયતી રાજના પદાધિકારીઓ મહિલા અને બાળ કલ્યાણ, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ વગેરે ક્ષેત્રના અધિકારીઓ વગેરે સાથે સંવાદ સાધી આરોગ્યને અવરોધક સમસ્યાઓના નિવારણ માટેના પગલાં લેવા નીતિઓ અને કાર્યક્રમો ઘડવા, નિર્ણયો લેવા માટેના સૂચનો મેળવવા માટે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રારંભમાં રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશન – ગુજરાતના ડાયરેકટ૨ રેમ્યા મોહને સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણીની જવાબદારી સૌની છે ત્યારે રાજ્યમાં પોષણમાં સુધારણા કિશોર અવસ્થામાં એનિમિયા નિવારણ, બીનચેપી રોગો અટકાયત, માતા મૃત્યુદર રોકવા જેવા મુદ્દાઓમાં તજજ્ઞો અને પદાધિકારીઓ પાસેથી દિશાસૂચક સૂચનો મેળવવામાં આ સ્વાસ્થ્ય પરિષદ ફળદાયી બની રહેશે.
વિશ્વમાં વર્ષ ૨૦૦૫ પછી થાઈલેન્ડમાં યોજાયેલ આ પ્રકારની સ્વાસ્થ્ય પરિષદ પછીની આ પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ હોવાનું પણ શ્રી રેમ્યા મોહને ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પરિષદમાં ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેકટ૨ની ઉપસ્થિતિમાં માતા-આરોગ્ય, પોષણ સુધારણા, કિશોરાવસ્થામાં એનિમિયા તેમજ બિનસંચારી રોગો જેવા વિષયો ઉપરના અલગ અલગ બે સત્રોમાં આરોગ્ય ક્ષેત્ર તજજ્ઞો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પંચાયતી રાજના પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્ય ક્ષેત્રને અસર કરતા સામાજિક પરિબળો અને સમસ્યાઓના નિરાકરણ માટે તથા લોકોને આરોગ્ય સાથે જોડવા મૂલ્યવાન સૂચનો અને અનુભવો રજૂ કર્યા હતા