Daily Newspaper

રાજ્યપાલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૪મો દીક્ષાંત સમારોહ યોજાયો

રાજ્યપાલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ૧૪મો દીક્ષાંત સમારોહ યોજાયો

 

ગાંધીનગર.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો પણ અપનાવવા જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયનો આરંભ છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ માનવતાના ઉચ્ચતમ મૂલ્યોને આત્મસાત કરવાનો છે. જ્યાં સુધી આપણે શિક્ષણને રાષ્ટ્રના હિત સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે અધુરુ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કુળની પ્રતિષ્ઠા વધે, સમાજનું ગૌરવ વધે અને ભારતનો વૈભવ વધે એવું જીવન જીવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતાં કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન જ શિક્ષણનો ખરો ઉદ્દેશ છે. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે.

આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, લાર્શન એન્ડ ટુબ્રોના ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ શ્રી જયંત પાટીલ, GTU ના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર, ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર અને અનેક વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના વૈભવી અતીતની મહાન સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારત પ્રાચીન સમયમાં ‘વિશ્વગુરુ’ અને ‘સોનેકી ચીડિયા’ હતું. ગામેગામ આત્મનિર્ભરતાના ઉદાહરણો હતા, જ્યાં દરેક વ્યક્તિ પોતાની કુશળતાથી અર્થતંત્રને મજબૂત બનાવતી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના મહાન વારસાને અપનાવવાના અને ગુલામીની માનસિકતાથી બહાર આવવાના આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અભિયાનની પ્રશંસા કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુવા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે GTU ના યોગદાન અને વિદ્યાર્થીઓના નવાચારની ભાવનાની સરાહના કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે GTUના વિદ્યાર્થીઓ ટેકનિકલ અને નૈતિક મૂલ્યો સાથે ભારતને 2047 સુધીમાં એક વિકસિત ભારત બનાવવા માટેના સંકલ્પને સાકાર કરશે.

રાજયપાલએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીને વિદ્યાર્થીઓની સફળતા આપણા દેશની પ્રગતિ અને વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, દીક્ષા મેળવવાથી શિક્ષાનો અંત નથી આવતો, પરંતુ વિદ્યાર્થી તરીકે મળેલા જ્ઞાનનો સમાજ માટે ઉપયોગ કરવાનો સમય હવે શરૂ થવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં જ્ઞાન, સંસ્કૃતિ અને શાસ્ત્રોની ઉજ્જવળ પરંપરા રહી છે. વિજ્ઞાન, ગણિત, ચિકિત્સા, એટોમિક એનર્જી સહિતનાં તમામ ક્ષેત્રે ભારતીય ઋષિ -મુનિઓએ કરેલાં શોધ-સંશોધનો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

 

મંત્રીએ વધુમાં કહ્યું કે, ૧૯મી સદી ‘મની પાવર’ની સદી હતી, ૨૦મી સદી ‘નૉલેજ’ની સદી હતી અને ૨૧મી સદી ઉદ્યોગની સદી છે. વર્ષો પહેલાં આપણાં શાસ્ત્રોમાં કરેલી અનેક કલ્પનાઓ અને અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં ફિક્શન તરીકે જોયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી ઘટનાઓ હવે વાસ્તવિકતા બની રહી છે.

મંત્રી પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ @૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન જોયું છે, તે સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે. આજે વિશ્વની અનેક મોટી કંપનીઓના સીઈઓ મૂળ ભારતીય છે, ત્યારે વડીલોએ અર્જિત કરેલા જ્ઞાનની પરંપરાને ઉજ્જવળ બનાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ વધવા સૌ દીક્ષાર્થીઓને અનુરોધ કર્યો હતો.

એલ એન્ડ ટી ના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ જયંત પાટીલે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટેની આ ‘ઇન્ડિયાથી ભારત’ સુધીની યાત્રા છે. તેમણે કહ્યું કે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવી તેને આધારે આગળ વધવું જોઈએ. પાટિલે ઉમેર્યું કે, ઇતિહાસ એ શ્રેષ્ઠ શિક્ષક છે અને તેની ભૂલોમાંથી શીખવું જોઈએ. હડપ્પિયન કાળમાં લોથલ એ વૈશ્વિક વેપારનું મહત્ત્વનું કેન્દ્ર હતું, જયારે મધ્યકાલીન યુગમાં સુરતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ ધમધમતો હતો. ભારતની આ વિરાસત આજે પુન:સ્થાપિત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૫૦૦ વર્ષ પહેલાં ભારતના આન્ત્રપ્રિન્યોરનો વિશ્વમાં ડંકો વાગતો હતો. જયારે આજે ફરીથી ભારતના આન્ત્રપ્રિન્યોરનો યુગ આવ્યો છે. ભારતની ખેતી, હીરા અને કાપડ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત છે.

જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે વિશ્વ વિદ્યાલયની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ૧૭ હજારથી વધુ ફેકલ્ટી, ૪૩૦થી વધુ કોલેજો અને ૨,૨૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે આ યુનિવર્સિટીએ રાષ્ટ્રીયસ્તરે નામના મેળવી છે. તેમણે કહ્યું કે, અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એચિવમેન્ટ ૨૦૨૧માં રાજ્યમાં પ્રથમ રેન્ક અને દેશની સરકારી યુનિવર્સિટીઓમાં સાતમો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ઈન્ડસ્ટ્રીઝ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટકચરના ત્રિવેણી સંગમ થકી આ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના વિકાસ સાથે રોજગારીનું સર્જન કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Shivkumar Sharma

error: Content is protected !!