રતનપુર બોર્ડર નજીકથી શામળાજી પોલીસે ટ્રક ઝડપી લઈ 12.70 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. બળતણનાં લાકડાંની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં લાવાવમાં આવી રહ્યો હતો ત્યારે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રક ઝડપી લઈ બે શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસથી બચવા બુટલેગર તત્વો ટ્રકોમાં ખાદ્ય પદાર્થો, મશીનીરી, દવાઓ સહિતની અનુક વસ્તુઓની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડે છે. આવી જ એક મોડસ ઓપરેન્ડીથી બળતણનાં લાકડાં ભરેલી ટ્રકમાં સંતાડીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો રતનપુર બોર્ડર નજીકથી જપ્ત કરવામાં આવ્યો હતો. અણસોલ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નં.આર.જે.27.જી.ઈ.2910 પોલીસે અટકાવી તલાશી લીધી હતી અને બળતણ લાકડાંની આડમાં સંતાડેલ 8340 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. 12.70 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળી રૂ. 22.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના વેલારામ વક્તાજી પટેલ અને સાબરકાંઠાના પાણપુર પાટીયાના અબ્દુલ સમદ સફીભાઈ મેમણની ધરપકડ કરી હતી.