ભિલોડા તાલુકાના ભટેળા ગામના ત્રણ યુવકોના માર્ગ અકસ્માતમાં મોત થતાં ગમમીની છવાઈ હતી. શનિવારે સાંજના સમયે એક જ બાઈક પર બેસી ચાર યુવકો પસાર થઈ રહ્યા અને અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીંટોડા-ગાંભોઈ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા અને એકને જીવલેણ ઈજાઓ થઈ હતી.
બનાવને પગલે ભિલોડા પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે.ભિલોડા તાલુકામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ત્રણ યુવકોના મોત થયા હતા. ભિલોડાના ભટેળા ગામના વિજયભાઈ મનજીભાઈ ડામોર અને અન્ય ત્રણ યુવકો શંકરભાઈ, શૈલેષભાઈ અને કલ્પેશભાઈ બાઈક ઉપર બેસી શનિવારે સાંજના સમયે રીંટોડા ગામ તરફથી ભટેળા આવી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી હતી,જેના પગલે બાઈક સવાર ચારેય યુવકો પટકાઈ ગયા હતા અને જીવલેણ ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં વિજય, શંકર અને શૈલેષ નામના ત્રણ યુવકોના મોત થયા હતા. જ્યારે કલ્પેશ નામના યુવકને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ યુવકને પણ જીવલેણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. બનાવ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા ગઈ ગયા હતા. બીજી તરફ તાબડતોબ ભિલોડા પોલીસ સ્ટાફ દોડી પહોંચ્યો હતો. આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.