અરવલ્લી માર્ગ-મકાન પંચાયતમાં રૂપિયા 79 લાખનું કૌભાંડ થયુ છે. જેમાં JCB દ્વારા કામો બતાવી અન્ય વાહનો દર્શાવાયા છે. રસ્તા રિપેરિંગના કામોમાં JCBનો ઉપયોગ થયાનું દર્શાવ્યું છે. તપાસ કરતા કાર, બાઇક જેવા વાહનો નીકળ્યા છે. પંચાયત વિભાગના ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં કૌભાંડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે.
તપાસ થાય તો હજુ મોટા કૌભાંડો બહાર આવી શકે છે
તપાસ થાય તો હજુ મોટા કૌભાંડો બહાર આવી શકે છે. અરવલ્લી માર્ગ અને મકાન પંચાયતમાં રૂપિયા 79 લાખનું કૌભાંડ થયુ છે. જેસીબી દ્વારા કામો બતાવી અન્ય વાહનો દર્શાવી સરકારને રૂપિયા 79 લાખનો ચૂનો લગાવ્યો છે. 2015-16 અને 2016-17ના રાજ્ય પંચાયત વિભાગના ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું છે. જે તે સમયે રસ્તા રીપેરીંગ, જંગલ કટિંગના કામમાં જેસીબી દર્શાવ્યું હતુ. તેમાં આરટીઓમાં વાહનોના નંબરની તપાસ કરતા ઇનોવા, સુઝુકી, હોન્ડા મોટરસાયકલ વગેરે વાહનો નીકળ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી કૌભાંડ આચરાયું હતુ.
ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી
આટલો સમય થયો છતાં તંત્ર દ્વારા એજન્સીઓ પાસે નાણાં વસુલાતની કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. આખા રાજ્યમાં દરેક વર્ષમા પંચાયતના કરેલ કામોની તપાસ થાય તો મોટા કૌભાંડો બહાર આવી શકે છે. આરટીઓમાં નોંધાયેલા વાહનોની તપાસ કરી તો હીરો હોન્ડા બાઇક, બોલેરો જીપ, ઇનોવા, સુઝુકી એક્સસ, મારૂતિ ઝેન, પીયાગો રિક્ષા, અતુલ રિક્ષા, સ્પ્લેન્ડર બાઇક, રિક્ષા, ટીવીએસવીગો, પ્લેઝર, એક્ટીવા જેવા વાહનો નીકળ્યાં હતા. આ વાહનોથી રસ્તા રીપેરીંગ, મરામતના કામો થઇ જ ન શકે. સરકારની આંખોમાં ધૂળ નાખવા માટે કાગળ પર અલગ-અલગ 12 વખત જેસીબીનો ઉપયોગ કર્યો હોવાનું જણાવી લાખો રૂપિયાની રકમ સરકારમાંથી સેરવી લીધી હતી. ત્યારે ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી હતી.