Daily Newspaper

Bayad: અરવલ્લી માર્ગ-મકાન વિભાગે સરપંચોની રજૂઆતોની ઐસીતૈસી કરીને એજન્સીઓને બિલો ચૂકવ દીધાં?

Bayad: અરવલ્લી માર્ગ-મકાન વિભાગે સરપંચોની રજૂઆતોની ઐસીતૈસી કરીને એજન્સીઓને બિલો ચૂકવ દીધાં?


અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઓડિટમાં ખુલાસો થયા બાદ અધિકારીઓ દોડતા થયા છે. ત્યારે જિ.પં.ના આ વિભાગમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.

એટલું જ નહીં જિલ્લાની ગ્રામ પંચાયતોના વિસ્તારોમાં રોડ સાઇડનાં જંગલ કટીંગના કામો થયાં જ નથી છતાં એજન્સીઓને બિલો ચૂકવી દીધાંનાં આક્ષેપોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન (પં.) વિભાગમાં જેસીબી દ્વારા કામો કર્યાં હોવાનું કાગળ પર દર્શાવી રાજ્ય સરકારને 79 લાખ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ ઓડિટમાં થયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં આચરવામાં આવેલું આ કૌભાંડ આટલેથી અટક્યું ન હતું. પરંતુ આજે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સ્થળ પર વગર કામો કર્યે સરકારની તિજોરીમાંથી એજન્સીઓના ખાતાઓમાં લાખો-કરોડો રૂપિયા ટ્રાન્સફર થઇ રહ્યા હોવાના આક્ષેપો થયા છે. જિલ્લા સંકલનમાં જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોએ પોતાના લેટરપેડો પર લખીને જે તે સમયે આપ્યું છે કે અમારા વિસ્તારમાં રોડ સાઇડનાં જંગલ કટીંગનાં કામો કર્યા હોવાના દાવાઓ સાથે જે બિલો મંજૂરી અર્થે મુકવામાં આવ્યાં છે, ત્યાં સ્થળ પર હકીકતમાં આવાં કોઇ જ કામો થયાં નથી અને માર્ગ-મકાન પંચાયતનાં ડીઇ-કોન્ટ્રાક્ટરોનાં એકબીજાનાં મેળાપીપણામાં કૌભાંડો આચરી સરકારને લાખો-કરોડો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે તેવી રજૂઆતોને દરકિનાર કરીને બીલો મંજૂર કરવામાં આવ્યાં હોવાનાં આક્ષેપોની અરવલ્લી જિલ્લા કલેક્ટર તપાસ કરાવે તેવી માગણીઓ ઉઠી છે. જિલ્લા સંકલનમાં સરપંચોની આવેલી લેખીત રજૂઆતોને ગંભીરતાથી કેમ નથી લેવામાં આવી ? તે પણ તપાસનો વિષય બન્યો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લા પંચાયતની હિસાબી શાખા તરફથી બિલો મંજૂર કરતાં પૂર્વે આવેલી ક્વેરીઓ દર્શાવવામાં આવે ત્યારે એક ઉચ્ચ અધિકારી નાના કર્મચારીઓને દમ મારી બિલો મંજૂર કરાવતા હોવાની ચર્ચાઓ જિલ્લા પંચાયત કચેરીમાં થઇ રહી છે. જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગમાં ફાલેલા ભ્રષ્ટાચારની રાજ્યના વિજીલન્સ વિભાગ મારફતે તપાસ કરાવવામાં આવે તો હજુ વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

બ્લેક લિસ્ટ કરેલી ત્રણે એજન્સીઓના બેંક ખાતામાંથી કોના ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઇ ? તપાસની માગ

અરવલ્લી જિ.પં.ના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ સોલંકી સરકારને 79 લાખ રૂપિયાનો ચુનો ચોપડનારી અને સરકારે બ્લેક લિસ્ટ કરી નાંખેલી ત્રણે એજન્સીઓનાં નામો ભેદી રીતે છૂપાવતાં તેમની વફાદારી સરકાર પક્ષે છે કે એજન્સીઓ તરફે છે ??? તેને લઇને જિલ્લાવાસીઓમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ જન્મી છે. સરકારી નાણાંની વસૂલાત માટે બ્લેક લિસ્ટ કરેલી ત્રણે એજન્સીઓને છેલ્લા સવા વર્ષમાં ક્યારે ક્યારે નોટિસો આપી? તેની ડીડીઓ દીપેશ કેડીયા તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તેમ હોવાનું જિલ્લાવાસીઓનું માનવું છે. બ્લેક લિસ્ટ કરવામાં આવેલી ત્રણેય એજન્સીઓના ખાતાઓમાં રૂ. 79 લાખ જેવી માતબર રકમ જે તે સમયે ટ્રાન્સફર થઇ હતી પછી આ એજન્સીઓએ આ રકમ આગળ ક્યા ક્યા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી ? તેની ડીડીઓ તપાસ કરાવે તેવી પણ માગણીઓ ઉઠી રહી છે.

પત્નીને લેવા-મૂકવા સરકારી ગાડીનું ડીઝલ ફૂંકી મારનારા અધિકારી કોણ ?

જિલ્લા સેવા સદનમાં ચાલતી ચર્ચાઓ મુજબ નજીકના મોટા શહેરમાં રહેતા અને જિલ્લા મુખ્યાલય મોડાસા ખાતે ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી પોતાના પત્નીને શહેરમાં લેવા-મુકવા માટે પોતાને ફાળવેલી સરકારી ગાડીનું પ્રજાના ટેક્સના રૂપિયામાંથી ભરાવેલું ડીઝલ ફૂંકવાનું શરૂ કરતાં લોકોની નજરમાં આવી ગયા હતા. સિંહ રાશી નામધારી અધિકારીની આ પ્રવૃત્તિની રજૂઆત થતાં તેઓ ચેતી ગયા હતા. જિલ્લા સેવા સદનમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે મલાઇદાર વિભાગમાં કામ કરતા આ અધિકારીએ ટૂંકા ગાળામાં સારી બેટીંગ કરી મોટા શહેરમાં વિશાળ બંગલો ખરીદી લીધો છે. આત્યંતિક ઠંડી અને ગરમી માટે જાણીતા શહેરના વતની એવા આ અધિકારીએ પોતાની આવક કરતાં વસાવેલી વધુ મિલકતોની વિગતો એસીબી સુધી પહોંચી હોવાનું કહેવાય છે. આગામી સમયમાં એસીબી અરવલ્લી જિલ્લામાં મોટા મગરમચ્છ એવા આ અધિકારીને સકંજામાં લે એવી પૂરી શક્યતાઓ હોવાનું અત્યંત આધારભૂત સુત્રોનું માનવું છે.



Source link

error: Content is protected !!