હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બર એમ બે દિવસ ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. ત્યારે માવઠું થાય તે પહેલાં જ હવામાનમાં પલટો આવ્યો છે અને રવિવાર સવારથી જ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. જેના પગલે રવી પાકોમાં રોગચાળો આવવાની ભીતિ ઉભી થઈ છે.
જો વધુ સમય વાદળછાયું વાતાવરણ રહેશે તો ઈયળ અને ફૂગના ઉપદ્રવને કારણે ઉત્પાદન ઉપર પણ અસર થવાનો ભય રહેલો હોય ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ભર શિયાળે માવઠું થાય તો અનેક પાકો ઉપર તેની વિપરીત અસર થઈ શકે છે.આ વર્ષે ઠંડીની શરૂઆત મોડેથી થઈ હતી પરંતુ ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડી રહી છે. દરમ્યયાન શિયાળો બરોબરનો જામ્યો છે ત્યાં હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 27 અને 28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગની આગાહે માવઠાની આગાહી કરી છે પરંતુ માવઠું થાય તે પહેલાં જ રવિવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવાર સવારથી જ અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,મહેસાણા અને પાટણ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું. ત્યારે લાંબો સમય સુધી વાદળછાયુ વાતાવરણ રહે તો બટકા,વરિયાળી,ચણા,એરંડા,જીરું સહિતના પાકોને અસર થઈ શકે છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યુ હતુ કે,વાદળ આવે એટલે રવી પાકોમાં રોગચાળાની શરૂઆત થઈ જાય છે અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
એક તરફ વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાન સામાન્ય ઉચકાયુ છે. ડીસાનું શનિવાર રાતનું તાપમાન 2.4 ડિગ્રી ઉચકાઈને 16.1 ડિગ્રી નોંધાયુ હતું. આગામી ચારેક દિવસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ શકે છે પરંતુ ઠંડીનું જોર ઘટેલુ રહેશે. પરંતુ માવઠુ થાય તો ઠંડાગાર પવનોથી ફરીથી ડિસેમ્બર અંતમાં રાત્રિનું તાપમાન એક આંકડામાં નોંધાઈ શકે છે. જાન્યુઆરી માસમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. ઠંડીથી રવી વાવેતરને ફાયદો થતો હોય છે પરંતુ વાદળછાયા વાતાવરણથી પાકોમાં રોગચાળો આવતો હોય ચિંતા ઉભી થઈ છે.
કયા પાકમાં કયો રોગચાળો આવવાની ભીતિ ?
સતત વાદળછાયા વાતાવરણને કારણે બટાકા, વરિયાળી, એરંડા, ચણા સહિતના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધી શકે છે. જો કમોસમી વરસાદ થાય તો આ પાકોમાં ફૂગ પણ આવી શકે છે. બીજી તરફ વહેલી પરોઢે ખેતરોમાં ઠાર પડી રહ્યો હોય જીરું અને વરિયાળીમાં ચરમી તેમજ કાળિયો નામનો રોગચાળો આવવાનો પણ ભય રહેલો છે. આકાશ વાદળછાયું રહેતાં શાકભાજીમાં પણ ઈયળોનો ઉપદ્રવ વધી શકે છે અને ઉત્પાદન ઉપર અસર થઈ શકે છે.
ગ્રામ્યમાં સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલું રહ્યું
છેલ્લા ત્રણેક દિવસથી પરોઢે ધુમ્મ્સ છવાઈ જાય છે. રવિવારે પણ ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ હતુ. સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલુ રહેતાં માર્ગો ધુંધળા થયા હતા. વિઝિબિલિટી ઘટી જતાં માર્ગો પરથી વાહનો લઈને નીકળી રહેલા ચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી હતી. દિવસે પણ વાહનોની હેડ લાઈટો ચાલુ રાખી વાહનો હંકારવાની ફરજ પડી હતી. ખેતરોમાં પણ ધુમ્મસ છવાઈ ગયુ હતુ. જેના કારણે રોગચાળાનો ભય રહેલો છે.