Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં આણંદના ખંભાત તેમજ બનાસકાંઠાના થરાદ અને ડીસા ખાતે સભાને સંબોધન કરતા : અમિત શાહ

સવેરા ગુજરાત ગાંધીનગર તા.૨૨

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ દેશના ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે આજરોજ આણંદ જિલ્લાના ખંભાત તેમજ બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ડીસા ખાતે ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ ૧૯૯૦ થી સત્તાથી બહાર છે તે બોર્ડ લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે. ગુજરાતમાં રોડ-રસ્તા, વીજળી, પાણી, બંદરોનો વિકાસ, શાંતિ-સલામતી, ઔદ્યોગિક વિકાસ,વિવિધ યોજનાઓનો અમલ કરી વિકાસ કરવાનું કામ છેલ્લા ૨૭ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપે કર્યું છે.  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતના વિકાસથી શરૂઆત કરી સમગ્ર દેશની અંદર પરિવર્તનનો માહોલ ઉભો કર્યો છે.
શાહે જણાવ્યું હતું કે,  સરદાર પટેલને અપમાનિત કરવામાં કોઈ કસર બાકી ના રાખનારી કોંગ્રેસ ચૂંટણીમાં વોટ લેવા સરદાર સાહેબના નામનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસીઓએ  સરદાર પટેલના અગ્નિસંસ્કાર પણ સન્માનજનક રીતે ન થાય, તેમની સ્મૃતિમાં કોઈ સ્મારક ન બને તે માટેના પેંતરા કર્યા, સરદાર સરોવર નર્મદા યોજનાને લટકાવી રાખી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી. સરદાર સાહેબને વારંવાર અપમાનિત કરતી કોંગ્રેસના રાહુલબાબા સહિતના કોઈ મોટા નેતા આજ દિન સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા નથી. નેહરુ થી સોનિયા ગાંધી સુધી એક પરિવારે  સરદાર પટેલનું સન્માન ન થાય તે પ્રકારે કામ કર્યું છે. વર્ષોથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં સરદાર સાહેબનું નામ લેવાથી ટિકિટ કપાઈ જશે તેવો ડર રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવળ સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક નથી બનાવ્યું, સરદાર સાહેબના રસ્તે ચાલી દેશને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું છે.
શાહે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, ફક્ત વોટબેંક સાચવવા માટે કોંગ્રેસીઓએ કાશ્મીરમાં કલમ ૩૭૦ને ૬૦ વર્ષ સુધી ખોળામાં પોતાના બાળકની જેમ સાચવી, અયોધ્યામાં  રામજન્મભૂમિના મુદ્દાને પણ સુલઝવા ના દીધો અને અનેક વર્ષો સુધી ટલ્લે ચડાવ્યો. ભાજપા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે કોઈ વોટબેંક કે સત્તા નહિ પણ દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા, વિકાસ અને કરોડો નાગરિકોની આસ્થા સૌથી ઉપર છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એકી ઝાટકે કલમ ૩૭૦ કાશ્મીરમાંથી હટાવીને સરદાર સાહેબના સ્વપ્નને પૂર્ણ કર્યું. મંદિર વહી બનાયેંગે, પર તારીખ નહિ બતાયેંગે કહી કરોડો દેશવાસીઓની આસ્થાની મજાક ઉડાવનાર કોંગ્રેસીઓ  દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી છે અને અયોધ્યામાં ભગવાન રામના ગગનચુંબી મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે. કાશીવિશ્વનાથ કોરીડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર, કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી, સોમનાથ સહિતના આસ્થા કેન્દ્રોને ભવ્ય બનાવવાનું કાર્ય ભાજપા સરકારે કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટદ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા અને કોંગ્રેસ વોટબેંક સાચવવા કહેવા લાગી કે કેમ હટાવ્યાં? કોંગ્રેસીઓને ગમેં કે ન ગમે, બેટદ્વારકા જેવી સફાઈનું કામ ભાજપા ચાલુ રાખવાની છે.
શાહે કે કોંગ્રેસ અને મેઘા પાટકર જેવા ગુજરાત વિરોધી તત્વોએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના આડે રોડા નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. ગુજરાતનો વિકાસ રુંધાઈ તે માટે કેન્દ્રમાં તે સમયની કોંગ્રેસ સરકારે અવનવા પ્રયત્નો કર્યા. માં નર્મદા યોજના માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપવાસ પર પણ ઉતરવું પડ્યું. આજે એ જ નર્મદા અને ગુજરાત વિરોધી મેઘા પાટકરને આપ લોકસભાની ટિકિટ આપે છે અને બીજી બાજુ કોંગ્રેસ તેની યાત્રાઓમાં સામેલ કરે છે. જેને હૈયે ગુજરાતનું હિત અને ગુજરાતીઓનું સન્માન નથી એવા આ તત્વોને ગુજરાતની જનતા વિધાનસભા ચુંટણીમાં ચોક્કસ પાઠ ભણાવશે તેવો વિશ્વાસ  શાહે વ્યક્ત કર્યો હતો.

શાહે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી-મનમોહનસિંહની સરકાર આતંકવાદી હુમલાઓ સામે કોઈ પગલાં ન ભરી શકતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઉરી અને પુલવામાંમાં આતંકી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક કરીને વિશ્વમાં સંદેશો આપ્યો છે કે, ભારતની સીમા કે ભારતની સેના સાથે જો કોઈ છેડખાની કરશે તો પરિણામ ભોગવવા પડશે. દેશની કોઈ પણ મહિલાને સમાન અધિકારો મળવા જોઈએ તે હેતુથી ભાજપા સરકારે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય કરીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે.
શાહે જણાવ્યું હતું કે, એક જ પરિવારની ચાર પેઢીના અને ૬૦ વર્ષના શાસનમાં ગરીબી હટાવવાની વાત કરીને કોંગ્રેસે શોષણ કરી ગરીબોને જ હટાવી દીધા. જો કોંગ્રેસે ગરીબી હટાવી હોત તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ કરોડ ગેસ કનેક્શન, ૧૦ કરોડ શૌચાલય, ગામોમાં વીજળી, આયુષમાન ભારત યોજના લાવવાની જરૂર ન પડી હોત. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામે રક્ષણ માટે દેશવાસીઓને ૨૩૦ કરોડ કોરોના વેકસીનના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે, ત્યારે રાહુલ ગાંધી મોદીની રસી છે ન લેતા એવું કહેતા કહેતા પોતે પણ રસી લઈ આવ્યા છે. ૮૦ કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિદીઠ ૫ કિગ્રા અનાજ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો દબદબો વિશ્વભરમાં વધાર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે પ્રમાણે બંને દેશોએ હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં સહયોગ આપ્યો તે વિશ્વમાં ભારતનું વધતું સન્માન દર્શાવે છે. ડૉ. મનમોહનસિંહના સમયમાં ૧૧ માં સ્થાને રહેલી ભારતની અર્થવ્યવસ્થાને ૫ માં ક્રમાંકે લાવવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતું દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું હતું.

Related posts

નશાબંધી અને આબકારી ખાતુ પણ ગ્રેડ-પે મુદ્દે મેદાનમાં

saveragujarat

મોદી સરકારના આઠ વર્ષની ઉજવણીની તૈયારી

saveragujarat

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

saveragujarat

Leave a Comment