Savera Gujarat
Other

તો તો મહાભારત સર્જાયું ન હોત!!!

ગિરધરભાઇ. હર્બો લાઇટ શું છે?” રાજુએ મને સવાલ પૂછ્યો.
“ સપ્લીમેન્ટ પાવડર છે” મેં રાજુને જવાબ આપ્યો.
“ ગિરધરભાઇ. જગતમાં એવો કયો ધંધો છે તેમાં ક્યારેય મંદી બંદી ન આવે?” રાજુએ મને પૂછયું.
“ માખી કે મચ્છર મારવાના ધંધામાં ક્યારેય મંદી ન આવે!!” મેં સનાતન સત્ય ઉચ્ચાર્યું.
“ ગિરધરભાઇ . નો પુઅર પીસી!! સિરિયસલી કહો, પ્લીલીલીલીઇઝ”
“ રાજુ જાડા કે પાતળા થવાના બિઝનેસમાં કાયમ તેજી રહે છે. મંદી તો નજીક પણ ફરકી શકે નહીં.”મેં રાજુને યુનિવર્સલ ટ્રુથ ગણાવ્યું!
“જાડા અને પાતળા એકમેકના મિત્ર ન હોઇ શકે. જાડીયો કાયમ સળેકડી જેવા તાબુત જેવા પાતળા પરમારની ઉના ઉના ટાઢા ટાઢા નિસાસા મુકે છે. જ્યારે મલોખા જેવા પાતળો જાડા થવા માટે સામ,દામ,દંડ અને ભેદની નીતિ અખત્યાર કરી જાડા થવાની કોશિશ કરે છે!!રાજુએ જાડા-પાતળા માણસોની મનોસ્થિતિનું વર્ણન કર્યું!!
“રાજુ. ફિલ્મના હીરો હીરોઇન રોલ મેળવવા માટે વજન વધારે કે ઘટાડતા હોય છે. સાલું એ સમજાતું નથી કે કરીનાકપૂર જેવી જાડીપાડીને કેવી રીતે જીરો ફિગર કહી શકાય? આલિયા ભટને જીરો ફિગર કહેવાય !! હીરો હીરોઇન ફિગર જાળવવા જીમનો સહારો લે છે. પુષ્કળ વર્કઆઉટ ( બહાર કામ નહીં !! કસરત કરવાનો મોડર્ન શબ્દ છે, ડયુડ!!)સિકસપેક બોડી કરવા લીટરરી પરસેવાના ગેલનો વહેડાવે છે. મોડેલીંગની દુનિયામાં શરીર-ફિગર સર્વસ્વ છે. સ્થૂળા ( સમજ ન પડી?સ્થૂળનું નારી વાચક છે.)ભૂખને મારવા ચા-કોફી પીધે રાખે છે,સિગારેટો ફૂંકે રાખે છે.ખોરાક ન લેવાના કારણે ચામડી લબડી જાય છે, ગાલ બેસી જાય છે, કમળા થયો હોય તેમ શરીર બટાકાવર્ણુ થઇ જાય છે!! છતાં ફરજિયાત ઉપવાસ ચાલું રાખે છે!!”મેં ગ્લેમર વર્લ્ડની બ્લેક સાઇડ રજૂ કરી.
“ગિરધરભાઇ.આ કેવું ડીંડક ? જાડા થવા હર્બોલાઇટનો પાવડરનું સેવન કરવાનું. પાતળા થવા પણ હર્બોલાઇટ પાવડરનું સેવન કરવાનું? કંપની એજન્ટને ચાલીસ ટકા જેટલું તગડું કમિશન આપે એટલે કમિશનની લ્હાયમાં એજન્ટ સગા વહાલાં, મિત્રો, પરિચિતોને ગ્લુકોઝ પાવડરની જેમ હર્બોલાઇટ પાવડર ફટકારે રાખે!!”રાજુએ મેડીકલ સ્કેમ જાહેર કર્યું.
“રાજુ .પતંગ જેવો પાતળો ભક્ષક રોગોની માફક બધું આરોગે છતાં તસુભાર કે ગ્રામ વજન ન વધે!! સુલતાન મોહમ્મદ બેગડાની જેમ મોંની ઘંટીમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા , કિસમિસ, મગજ, મેસુબ, મોહનથાળ, કાજુકતરી, અંજીર રોલ, મોતીચૂર,બરફી (મોંમાં પાણી આવવા મંડયુંને? તમારું વજન પાંચ મિલિગ્રામ વધી ગયું. મારા વાત ખોટી લાગે તો જાવ વજનકાંટે માપી લો!)ગાંઠીયા, જલેબી, ગોટા ઓરે તો પણ વજન વધે નહીં . પાછો ચિંતાળવો પણ ન હોય!!” મેં પાતળાની જાડી સમસ્યા કહી!!
“ ગિરધરભાઇ. જાડા કે જાડીનું પણ એવું છે. રોટલીની જગ્યાએ એકાદ ખાખરો ખાય, સલાડ ખાય, બાફેલા શાકભાજી ખાય, ભૂખ્યા રહે. અપિતું, જાડા જણને ચૈત્ર ચડે નહીં ને વૈશાખ ઉતરે!!રોજ દસ-બાર કીલોમીટર ચાલે કે દોડે પણ કોઇ ફરક પડે નહીં. વજન ઉતારવાનાં બેલ્ટ ઓનલાઇન મંગાવે ,વજન ઉતારવાનો બદલે,બેલ્ટ લુઝ થવાના બદલે કંદોરા જેટલો ટાઇટમટાઇટ થાય. અરે, માત્ર શ્વાસ લે તો પણ વજન વધે તો બાપડો જાડિયોજણ શું કરે??”રાજુએ જાડિયા પુરાણ વર્ણવ્યું!!
“ રાજુ હીરો કે હીરોઇન રોલ મેળવવા માટે કે વેફરથીન મોડેલો મોડેલીંગ એસાઇન મળે તે માટે, મનગમતો ભરથાર કે ભાર્યા મેળવવા માટે જરૂરિયાતનુસાર જાડાપાતળા થવા પાપડ વણે તે સમજાય. એક ચોર મહાશયે ચોરી કરવા કે ચોરી કરી બારામાંથી ગળકવાના શુભાશયથી એક, બે નહીં પણ પૂરા સાત કીલો વજન કોઇ પણ કલિનિકની મદદ વિના ઉતારીને સમગ્ર ચૌર્ય સમાજ માટે અનુકરણીય, અનુસરણીય,અભૂતપૂર્વ, અશ્રુતપૂર્વ ,કલ્પનાતીત ઉદાહરણ પૂરું પાડ્યું છે!! “ મેં રાજુને સમાચાર સારાંશ કહ્યો!!
“ ગિરધરભાઇ. દ્રૌપદીએ કે સીતામાતાએ સ્વયંવરમાં લક્ષ્યવેધ કે ધનુષ ઉપાડવાના બદલે લગ્નોત્સુક મૂરતિયો પાંચ કીલો વજન ઉતારે તેને વરીશ એવી શરત કરી હોત તો મહાભારત કે રાવણ વધ કરવાની જરૂરત ઉપસ્થિત થઇ ન હોત!!!!” રાજુએ મારા કાનમાં શક્યતાનો બોમ્બ ફોડ્યો.
“ હેંહેંહેં!! શું ??” મારો હેબતાઈ ગયેલો પ્રતિભાવ.

 

  • મેળાપ

ટીપુ સુલતાન,
અને, અમારા વચ્ચે વેર હશે?
જરૂરી નથી કે,
જીવિત વ્યકિત સાથે જ વેર હોય,
મૃતક સાથે પણ વેર હોઇ શકે!
જો કે,
બંનેની કુંડળીમાં ,
સદ્દભાવ છે.
શ્રીરંગપટનમમાં,
ટીપુનો મહેલ જોવા ગયા.
ટિકિટ માત્ર વીસ રૂપરડી.
ડીજીટલ ઇન્ડિયાના હિમાયતીઓ,
રોકડ લઇ ટિકિટ આપે નહીં.
કદાચ ,
કોઇ ટેકનોસેવીનો,
આત્મા જીવતેજીવત દુભાતો હશે!!
હેન્ડહોલ્ડ કે પોસ મશીન પણ નહી.
કેવળ,
પેટીએમની મોનોપોલી !!
અમારી કને,
પેટીએમના ફાંફા!!!
ટેકસી ડ્રાઇવરે,
પેટીએમ કર્યું.
અમે ,
મરણાસન્ન,
ટાપુને મળી શકયા!!!

ભરત વૈષ્ણવ

Related posts

ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના પગલે મે માસમાં ૧૬ ટકા ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો

saveragujarat

રાજ્યસભાની ૧૬ બેઠકો માટે ક્રોસ વોટિંગના ડર વચ્ચે મતદાન

saveragujarat

મોડાસાના મોતીપુરાની પ્રાથમિક શાળાના શિક્ષકે અલગ પ્રકારનું સંશોધન કર્યું

saveragujarat

Leave a Comment