Savera Gujarat
Other

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિત ગુજરાતના 7 પોલીસ ભવનના ઉદ્ઘાટન માટે ગૃહમંત્રી અમિત શાહનો સમય મંગાયો

સવેરા ગુજરાત,રાજકોટ, તા.15
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું નવું-નક્કોર બિલ્ડિંગ સહિત ગુજરાતના સાત પોલીસ ભવનના ઉદ્ઘાટન માટે ગૃહમંત્રી અમિત શાહનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતના વિભાગો માટેનું આખું બિલ્ડિંગ તૈયાર છે પરંતુ તેનું લોકાર્પણ ન થઈ શકતાં અત્યારે સ્ટાફે ખીચોખીચ જગ્યામાં બેસવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. એકાદ-બે મહિના અગાઉ દિલ્હી ગૃહમંત્રાલય તરફથી ગુજરાતમાં તૈયાર થયેલા પોલીસ ભવનોની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં રાજકોટના બિલ્ડિંગની યાદી પણ મોકલવામાં આવી હતી.જો કે હવે ગૃહ મંત્રાલય તરફથી ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.આ અંગે પોલીસ કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે તે માટે બિલ્ડિંગ તૈયાર થઈ ગયાની જાણકારી મહિનાઓ અગાઉ આપી દેવામાં આવી હતી પરંતુ હજુ દિલ્હીથી નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. જો બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં વિલંબ થશે તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવી શકે છે કેમ કે અત્યારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ખીચોખીચ જગ્યામાં બેસવું પડી રહ્યું છે. રાજકોટ ઉપરાંત રાજ્યના છ જેટલા પોલીસ ભવનો છે જે તૈયાર થઈ ગયા છે પરંતુ તેનું ઉદ્ઘાટન હજુ સુધી શક્ય બન્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકાર દ્વારા રાજકોટમાં ડીસીપી ક્રાઈમની ખાલી પડેલી જગ્યા ઉપર મહેસાણાના એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી. ડૉ.ગોહિલે ચાર્જ સંભાળે તે પહેલાં જ સૌથી પહેલો પ્રશ્ર્ન એ ઉપસ્થિત થયો હતો કે તેમને બેસાડવા ક્યાં ? જો કે ત્યારે અધિકારીઓ દ્વારા એસીપી ક્રાઈમ ડી.વી.બસીયાની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસમાં તેમને બેસાડવામાં આવ્યા હતા અને ડી.વી.બસીયા માટે ત્રીજા માળે કામચલાઉ ઑફિસ તૈયાર કરી આપવામાં આવી હતી.
આ ચેમ્બરની વ્યવસ્થા કરાઈ ત્યાં જ થોડા દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક પીઆઈ મુકવામાં આવતાં તેમની ચેમ્બરનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થયો હતો. અત્યારે તેમને ક્રાઈમ બ્રાન્ચમાં પહેલાંથી જ મુકાયેલા પીઆઈ જે.વી.ધોળાની ચેમ્બરમાં જ બીજું ટેબલ મુકીને બેસાડવામાં આવ્યા છે. આ રીતે એક જ ચેમ્બરમાં અત્યારે બે પીઆઈ અલગ-અલગ ટેબલ પર બેસીને કામ કરી રહ્યા છે.
બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચમાં તાજેતરમાં જ નવો સ્ટાફ મુકવામાં આવ્યો છે પરંતુ બ્રાન્ચની ઑફિસ નાની હોવાને કારણે તેમણે બહાર લોબીમાં ઉભું રહેવું પડી રહ્યું છે.આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતના વિભાગો માટે આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં તેનું લોકાર્પણ ન થઈ શકતાં અત્યારે તે ધૂળ ખાઈ રહ્યું છે એટલા માટે જ સ્ટાફ છૂટથી બેસી શકે તે માટે એ બિલ્ડિંગને શરૂ કરવું જરૂરી બની જાય છે.

Related posts

મૃતદેહો રાખવા માટે ઓછી પડી રહી છે શબપેટીઓ

saveragujarat

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

saveragujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

saveragujarat

Leave a Comment