Savera Gujarat
Other

રાજકિય ક્ષેત્રે ઉંચી સિદ્ધી હાંસલ કરવાની સફર ઃ ગુજરાત રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ

સપ્ટેમ્બર 2021માં ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજયમંત્રી (home minister) બનેલા હર્ષ સંઘવી (Harsh Sanghvi) નો આજે 37 મો જન્મદિવસ છે. ચાર બહેનોના લાડકવાયા ભાઈ હર્ષ સંઘવીનો જન્મ 8 ડિસેમ્બર 1985 માં થયો. મૂળ જુના ડીસાના જૈન પરિવારમાં જન્મેલા હર્ષ પરિવારના લાડકવાયા દીકરા છે. તેમના પિતા રમેશભાઈ સંઘવી હીરાના કામ અર્થે ડીસાથી સુરત સ્થાયી થયા અને ત્યાં જ પ્રગતિ કરી. હીરાનું કારખાનું (ગિરનાર કોર્પોરેશન) ચલાવતા રમેશભાઈ સંઘવીના ઘરે હર્ષનો જન્મ થયો. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હોવાથી સૌથી લાડકવાયો રહ્યો. પહેલેથી હર્ષ રમતિયાળ હતો તેવું તેમને નજીકથી ઓળખતા લોકોનું કહેવું છે. ગૃહ રાજયમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી વિશે કોઈ વિવાદ ઉભો થયો હોય તો તે તેમના ભણતર અંગે થયો. હર્ષ સંઘવીએ પોતાના એફિડેવિટમાં 8 ધોરણ પાસ હોવાનું દર્શાવ્યું છે, જેના કારણે આ વિવાદ ઉભો થયો. સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા અને બંને મોટી બહેનો ઉચ્ચ શિક્ષિત હોવા છતાં હર્ષ સંઘવીએ કેમ 8 ધોરણ બાદ ભણતર છોડ્યું તે આજે પણ એક સવાલ છે. તેમના પરિવારના સભ્યોની વાત માનીએ તો તે સમયે તેમના માતા બીમાર હતા અને મુંબઈમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેના કારણે પિતા પણ મુંબઈ રહેતા હતા અને કિશોર વયના હર્ષે કારખાનામાં જવાનું શરૂ કર્યું. ત્યારબાદ પિતાનો સમગ્ર વ્યવસાય સાંભળી લીધો અને સફળતાપૂર્વક ચલાવ્યો. જેના કારણે અભ્યાસ છૂટી ગયો જો કે હવે તેમણે ફરી આ માટે તૈયારી શરૂ કરી છે.

અભ્યાસ છોડ્યા બાદ જ હર્ષ સંઘવીને રાજકારણમાં આવવાની ઈચ્છા હતી, જ્યાં તેમનો પરિચય સંઘના સ્વયંસેવક જયદીપભાઈ ત્રિવેદી સાથે થયો. જયદીપભાઈ તે વખતે સુરતમાં સંઘના પ્રચાર વિભાગ સહિત અલગ અલગ જવાબદારી નિભાવતા હતા. હર્ષ સંઘવીના પિતાએ પણ જયદીપભાઈને હર્ષ સંઘવીને યોગ્ય જગ્યાએ કામ કરાવવાનો આગ્રહ કર્યો હતો. સૌથી પહેલા 2003-04માં ડાંગમાં આયોજિત શબરી કુંભમાં મીડિયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે સફળતાપૂર્વક નિભાવી. ત્યારબાદ ગૌ ગંગા યાત્રામાં પણ સુરતના મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું અને સફળ રહ્યા.

ગુજરાતમાં નર્મદા આંદોલનમાં મેઘા પાટકર સામે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન હતું, જેમાં હર્ષ સંઘવીના પિતાના કારખાનેથી રેલીની શરૂઆત કરી અને સુરત રેલવે સ્ટેશન પાસે સૂત્રોચ્ચાર અને મેઘા પાટકરના પૂતળાનું દહન કર્યું. આ સફળ કાર્યક્રમથી સુરતમાં હર્ષ સંઘવીની રાજકીય શરૂઆત થઈ. પ્રદીપસિંહ વાઘેલા સાથે યાત્રાની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી હતી. જે બાદ વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા અને તેમની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી આપી. યુવા મોરચાના પ્રભારી સીઆર પાટીલ સાથે પણ સતત સંપર્કમાં રહીને કામ કર્યું. ત્યારબાદ તેમણે રાજકીય જીવનમાં સતત સફળતા મેળવી અને પ્રગતિ કરી. 2010-11 માં જ શ્રીનગરમાં ભાજપ યુવા મોરચાની તિરંગા યાત્રામાં પ્રદીપસિંહ વાઘેલા સાથે લાલ ચોકમાં તિરંગો ફરકાવવા દરમિયાન પોલીસનો માર પણ ખાધો અને રાજકીય ઓળખ પણ મેળવી. ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક સતત વધતો રહ્યો અને મહત્વની જવાબદારીઓ સુપેરે પાર પાડી. વર્ષ 2012માં 27 વર્ષની વયે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બન્યા. ધારાસભ્ય બન્યા બાદ સતત પ્રજા વચ્ચે કામ કર્યું અને બીજીવાર ટીકીટ મેળવીને ધારાસભ્ય બન્યા. કોરોનાની બીજી લહેરમાં પણ લોકસેવા કરી અને કોવિડ હોસ્પિટલ તૈયાર કરી. ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં પણ સતત 2 ટર્મ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી. પ્રધાનમંત્રી મોદીના અનેક વિદેશ પ્રવાસમાં પણ તેમણે પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે.

Related posts

શેરબજારમાં ફરી કડાકો : સેન્સેક્સ 55000ની નીચે

saveragujarat

શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ, નંદબાબા, યશોદા મૈયા અને બાળસખા મિત્રોએ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગમાં અનેરું આકર્ષણ જમાવ્યું !!

saveragujarat

તિરૂપતિ બાલાજી મંદિરમાં ૭.૬ કરોડની હુંડી આવી

saveragujarat

Leave a Comment